ફિલ્મ ની વાર્તા આદિત્ય પારેખ(યશ સોની) ક્વોન્ટમ ના રાઉટર બનાવતી કંપની ને આસમાન પર પહોચાડવાંના સપના થી થાય છે, આદિ ના મતે જિંદગી માં એકલું કામ જ રહેલું છે અને તેના માટે પોતાનું કામ એ સર્વોપરી છે પરિવાર કરતા પણ ઉપર. એ જિંદગી ઘડિયાળ ના કાંટે જીવે છે અને તેની પાસે પોતાના પિતા બિપિન પારેખ (સિદ્ધાર્થ રાંદેરિયા) ની સાથે જમવા નો પણ ટાઈમ નથી. એટલે બિપિન પારેખ તેની સાથે સમય વિતાવવા માટે અલગ અલગ નુસખા અપનાવે છે પરંતુ આદિત્ય માનતો નથી. અચાનક જ એક સવારે આદિત્ય જમીન પાર પડી જાય છે અને તેના પિતા તેને હોસ્પિટલે લઈજાય છે ત્યાં આદિત્ય એકદમ સારો થઇ જાય છે અને આદિત્ય ની સાથે બિપીનભાઈ ના પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે અને બિપિન ભાઈ ને બ્રેઈન ટ્યુમર છે એવી ખબર પડે છે. પછી ચાલુ થાય છે એક નવીજ સફર અને આ સફર ને વાંચવા કરતા માણવી વધુ સારી છે. હિન્દી માં થોડા થોડા અંતરે આવેલી ફિલ્મો જેવી છતાં પણ અલગ લાગે એવી, વારંવાર જોવી ગમે એવી ફિલ્મો ગુજરાતી માં બહુ ઓછી બની છે. આવી ફિલ્મો માં ની એક એટલે ” ચાલ જીવી લઈએ “. ક્યારેક ક્યારેક હમણાં જ આવેલી “102 નોટ આઉટ ” ની , “કલ હો ના હો” અને ” આનંદ ” ની યાદ આવી જાય છે. અને દિગ્દર્શક માં ઋષિકેશ મુખર્જી યાદ આવે છે. આ ફિલ્મ ના દિગ્દર્શક વિપુલ મેહતા ની આ ત્રીજી ફિલ્મ છે, પ્રથમ ફિલ્મ ” કેરી ઓન કેસર ” થી જ પોતાની આવડત દેખાડનાર દિગ્દર્શક ની બધી ફિલ્મો માં ની શ્રેષ્ઠ ફિલ્મ છે. વિપુલ મેહતા ની આવડત આપણે ટીવી સિરીઝ ” ક્યુકી સાસ ભી કભી બહુ થી ” માં તો જોઈજ લીધી છે તેમાં તેણે દિગ્દર્શન તો નહોતું કર્યું પણ લેખક તરીકે ફરજ બજાવી હતી. ફિલ્મ નું દિગ્દર્શન તો સારું છેજ પણ ફિલ્મ નું મુખ્ય પાસું છે ફિલ્મ ની વાર્તા. વાર્તા એટલી મજબૂત છે કે તમને ફિલ્મ માં ક્યાંય પણ પકડ ઓછી થતી હોય એવું નહિ લાગે. બીજું મજબૂત પાસું છે ફિલ્મ ની સિનેમેટોગ્રાફી. ગુજરાત ની બહાર ભારત માં ક્યાંય બહાર ના લોકેશન પર શૂટ થયેલી કદાચ આ પહેલી ફિલ્મ છે. ઋષિકેશ થી કેદારનાથ સુધી ની યાત્રા તમારા મન અને આંખો ને પૂર્ણ રૂપ થી ઠંડક પુરી પાડે છે. આવા દ્રશ્યો જોઈને તમારું મન પ્રફુલ્લિત થઇ જાય છે. આ સફર માં જ આદિત્ય ને ખબર પડે છે કે જિંદગી માં કામ સિવાય પણ ઘણું છે જે તેણે ક્યારેય માણ્યું નથી. અને હવે પિતા ની ઈચ્છાઓ પુરી કરવામાં તેને અનુભવ થાય છે કે જિંદગી તો હસી ખુશી થી જીવી લેવાની ચીજ છે. એને કામ માં ના વેડફાય. આ સફર માં આદિ અને બિપીનભાઈ સાથે કેતકી મહેતા (આરોહી પટેલ) પણ જોડાય છે અને સફર વધુ આહલાદક બની જાય છે. કલાકારો ના અભિનય ની વાત કરીએ તો બધાજ કલાકારો નો અભિનય ખુબ જ સુંદર છે પરંતુ સિદ્ધાર્થ રાંદેરિયા ની તો વાત જ ના પૂછો કારણકે તેમની સંવાદો બોલવાની છટા થી જ ભલ ભલા પ્રભાવિત થઇ જાય છે. આરોહી પટેલ ના ભાગ માં કામ આવ્યું તો છે પણ તેની આગળની ફિલ્મ ” લવ ની ભવાઈ ” જેવી મજબૂત ભૂમિકા મળી નથી. યશ સોની અને સિદ્ધાર્થ ભાઈ ની કેમિસ્ટ્રી એકદમ ચુંબકીય છે. જે રીતે એ બંને એ પિતા અને પુત્ર ની ભૂમિકા ભજવી છે એ અફલાતૂન છે. ફિલ્મ નુ સંગીત સચિન જીગર એ બનાવ્યું છે અને ફિલ્મ ના ત્રણે ગીતો એકદમ દ્રશ્ય સાથે સંગતતા ધરાવે છે. પા પા પગલી માં જે સોનુ નિગમે સ્વર આપ્યો છે એ અદભુત છે અને આમ પણ સેડ સોન્ગ માં તેની હથોટી પહેલેથી જ છે બાકી ના ગીતો જીગરદાન ગઢવી અને ભૂમિ ત્રિવેદી એ ગાયા છે અને એ ગીતો પણ કર્ણ પ્રિય છે. ફિલ્મ માં લાગણી ના દરેક ભાવો હાજર છે જેવા કે પ્રેમ, રુદન, હાસ્ય, ચંચળતા અને કુતુહલ. જો તમને પણ આ ભાવો નો અનુભવ કરવો હોય તો જલ્દી થી સિનેમા સુધી દોડ્યા જાઓ કારણ કે ” જિંદગી કેટલી જીવો એ મહત્વ ની નથી, કેવી જીવો છો એ મહત્વ નું છે “.
Star Rating
Leave a Reply